આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સને દરેક માટે ઉપયોગી બનાવવાના અમારા ધ્યેયના કેન્દ્રમાં વપરાશકર્તાઓનો વિશ્વાસ છે. તમારી સાથે પારદર્શક રહેવું એ વિશ્વાસ કેળવવાની અમારી રીતનો એક ભાગ છે. અમારી પ્રાઇવસી પોલિસીમાં તાજેતરમાં કરાયેલા કેટલાક ફેરફારોમાં સમજાવ્યું છે કે અમુક બજારોમાં અન્ય કંપનીઓની સાઇટ્સ અને ઍપ્સ પર અમે તમારા માટે અમારા ઉત્પાદનો અને સેવાઓનો પ્રચાર કેવી રીતે કરીએ છીએ. પ્રાઇવસી કાયદા મુજબ અમારે અમારી પ્રાઇવસી પોલિસીમાં આ પ્રવૃત્તિઓનું ચોક્કસ રીતે વર્ણન કરવું પડે છે, તેથી અહીં અમે તમને વધુ માહિતી અને તે પણ સરળ ભાષામાં આપવા માગીએ છીએ. આ લેખમાં સમજાવ્યું છે કે અન્ય કંપનીઓની સાઇટ્સ અને ઍપ્સ પર તમારા માટે OpenAIનો પ્રચાર કરવા અમે ડેટા કેવી રીતે વહેંચીએ છીએ. ChatGPTનો ઉપયોગ કરતી વખતે તમને દેખાઈ શકે તેવી જાહેરાતો વિશે વધુ જાણવા માટે અહીં જુઓ.
અમારી પ્રચાર પ્રવૃત્તિઓ. મોટાભાગની કંપનીઓની જેમ અમે પણ હાલના વપરાશકર્તાઓને અમારા નવા ઉત્પાદનો અથવા ઑફરો વિશે જણાવવા અને અમારા ઉત્પાદનોની જાહેરાતો દ્વારા સંભવિત નવા વપરાશકર્તાઓ સુધી પહોંચવા માગીએ છીએ. આજના સમયમાં આ કરવાની સૌથી અસરકારક રીતોમાંથી એક છે પસંદગીના ભાગીદારો સાથે મર્યાદિત માહિતી વહેંચવી, જેથી તૃતીય પક્ષના ડિજિટલ માધ્યમો પર તમને OpenAI વિશેની જાહેરાતો બતાવી શકાય. તેનાથી તમને સુસંગત જાહેરાતો જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે ChatGPTના મફત સ્તરનો ઉપયોગ કરતા હો, તો તમને Pro સંસ્કરણની જાહેરાત દેખાઈ શકે છે.
અમે આ પ્રચાર ભાગીદારો સાથે તમારી વાતચીત વહેંચતા નથી. તૃતીય પક્ષના ડિજિટલ માધ્યમો પર તમને જાહેરાતો બતાવવા માટે તમે અમારી સેવાઓ પર અપલોડ કરેલા દસ્તાવેજો, છબીઓ, વીડિયો કે અન્ય સામગ્રી પણ અમે વહેંચતા નથી.
અમારા ઉત્પાદનોનો વધુ સારી રીતે પ્રચાર કરવા માટે અમે ટેક્નોલોજીની મદદથી પસંદગીના ભાગીદારો સાથે મર્યાદિત માહિતી વહેંચીએ છીએ. અમારા પોતાના ઉત્પાદનોનો તમારી સમક્ષ પ્રચાર કરવા માટે અમે સામાજિક નેટવર્ક અને મોટા જાહેરાત મંચ જેવા ભાગીદારો સાથે કેટલીક મૂળભૂત માહિતી વહેંચીએ છીએ. પ્રથમ, અમે એવા કેટલાક ઓળખચિહ્નો વહેંચીએ છીએ જે તમારી વાસ્તવિક ઓળખ દર્શાવતા નથી. તેના બદલે, તે તમારા બ્રાઉઝર અથવા ઉપકરણના ઓળખચિહ્નો, જેમ કે કૂકી આઈડી, તમારા આઈપી સરનામા અથવા તમારા ઈમેલ સરનામા કે ફોન નંબરના એવા સંસ્કરણ સાથે જોડાયેલી સંખ્યાઓ અને અક્ષરોની શ્રેણી હોય છે, જેને “હૅશ” નામના સુરક્ષા સાધનમાંથી પસાર કરીને સંખ્યાઓ અને અક્ષરોની શ્રેણીમાં ફેરવવામાં આવ્યું હોય છે. અમારા પ્રચાર ભાગીદારો આ ઓળખચિહ્નોનો ઉપયોગ કરીને તેમની સેવાઓ પરના તમારા ખાતા અથવા પ્રવૃત્તિ સાથે મેળ મેળવી શકે છે. બીજું, જાહેરાત સંબંધિત લક્ષ્ય પૂરું કરવામાં મદદ મળે તે માટે અમે કેટલીક મૂળભૂત વ્યાવસાયિક અને વેબ વપરાશની માહિતી વહેંચીએ છીએ. જેમ કે, તમે ChatGPTના મફત સ્તર માટે નોંધણી કરી છે કે નહીં અથવા OpenAIના કોઈ ચોક્કસ ઉત્પાદનનું વર્ણન કરતા વેબપેજની મુલાકાત લીધી છે કે નહીં.
તમારી સમક્ષ OpenAIનો વધુ અસરકારક રીતે પ્રચાર કરવાના હેતુથી આ ડેટા વહેંચવો એ અમેરિકાનાં અમુક રાજ્યોના પ્રાઇવસી કાયદા હેઠળ “લક્ષિત જાહેરાત” અથવા “વિવિધ સંદર્ભોમાં વર્તન-આધારિત જાહેરાત માટેની વહેંચણી” ગણાય છે અને તમે કોઈ પણ સમયે આમાંથી બહાર નીકળવાનું પસંદ કરી શકો છો.
આમાંથી બહાર નીકળવાની રીત:
તમારા ખાતામાં: તમે તમારા ખાતાની સેટિંગ્સમાં રહેલા માર્કેટિંગ પ્રાઇવસી નિયંત્રણનો ઉપયોગ કરીને વેબ પર આમાંથી બહાર નીકળી શકો છો (સેટિંગ્સ > ડેટા નિયંત્રણો > માર્કેટિંગ પ્રાઇવસી). આનાથી તમારા ખાતા માટે લક્ષિત જાહેરાતના હેતુથી માહિતી વહેંચવાનું બંધ થઈ જશે.
અમારી વેબસાઇટ્સ પર: જો તમે પ્રવેશ કરેલો ન હોય, તો કેટલીક વેબસાઇટ્સના ફૂટરમાં રહેલી કૂકીઝ મેનેજ કરો અથવા તમારી પ્રાઇવસી પસંદગીઓ લિંકનો ઉપયોગ કરીને આમાંથી બહાર નીકળી શકો છો અથવા સેટિંગ્સ > ડેટા નિયંત્રણો > માર્કેટિંગ પ્રાઇવસી પર જઈ શકો છો. જો તમે પ્રવેશ કરેલો ન હોય, તો આમાંથી બહાર નીકળવાની તમારી પસંદગી ફક્ત તે બ્રાઉઝર પર લાગુ પડે છે. તેથી તમારા ખાતાના નિયંત્રણનો ઉપયોગ કરો અથવા અલગ બ્રાઉઝર કે ઉપકરણથી અમારી કોઈ વેબસાઇટ પર ફરી આવો ત્યારે તમારી પસંદગી ફરીથી નોંધાવો.
